Gujatrat Online

Gujarati Poems

પ્રિયે પત્રો તારા

પ્રિયે પત્રો તારા
- ઉમાશંકર જોષી

પ્રિયે, પત્રો તારા ! મૃદુ હૃદયનો મૌનમહિમા.
અબોલેલા શબ્દો પ્રગટ કરતેરી મધુરિમા.

તવ ધ્યાને જાગ્યા ઉર મુજ રસપ્રશ્ન, સહુના,
ઉકેલો પ્રેરંતી અકલિત તવ પ્રેમસુરભી.

પ્રિયે, જાણું શબ્દે પ્રથિત નથી કો વૈભવ તવ.
વસી રિધ્ધિ હોશે અધિકતર કોશે તુજ થકી.

લખ્યા અર્ધા, અર્ધા વળી અણલખ્યા બોલ મહીં જે,
સમૃધ્ધિ તે તો રે તુજની બસ રહેશે અપ્રતિમ.

પ્રિયાના પત્રોની નિત નીરખતાં રાહ સુખમાં,
ભલે જે લંબાયો સમય રસીલા સંવનનનો.

સ્ફુરે જે ઓચિંતી ધબક ઉરમાં, પત્ર મળતાં,
અને રોમેરોમે ફરકી જતી ઉલ્લાસ લહરી.

શમે એમાં લાખ્ખો અમિલન-વ્યથાની વિષમતા,
પ્રિયે, પત્રે, તારે અજલ રસ-સંજીવન વસ્યાં.

(પ્રિયાના પત્રોનો મહિમા કરવા સાથે, તે પત્રોએ જે ભાવસંવેદન કાવ્યનાયકમાં જાગે છે તેનું નિરૂપણ કરતું, શિખરિણીબધ્ધ સૉનેટ.)


We hope you enjoy this section.
For suggestions/ comments contact us!